ACHARYA SHREE SIDDHISURISHWAR M.S.
સંઘસ્થવિર, નિષ્કામયોગી, વચનસિદ્ધ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂજ્ય બાપજી દાદા)નું સંક્ષિપ્ત જીવન.
સો સદ્ગુરુ મોહિ ભાવૈ, જાકે દરસન સાહિબ દરસે…
આકાશ અસીમ છે.
આકાશ સર્વ સમાવેશી છે.
સદ્ગુરુ, વ્યક્તિ સ્વરૂપે, આકાશ (અસીમ) સાથે અનુસંધાન કરાવતી ખુલ્લી બારી જેવા હોય છે.
સદ્ગુરુ, અસ્તિત્વ સ્વરૂપે, અપક્ષપાતભાવે સર્વને સમાવનાર અસીમ એવા આકાશ સ્વરૂપ હોય છે.
‘એવા’ વીતરાગી અસ્તિત્વ પ્રત્યેની દાસાનુદાસતા, એ, શ્રીસદ્ગુરુની વાસ્તવિક ઓળખ છે. લબ્ધિઓ અને સિદ્ધિઓ ‘એવા’ અસ્તિત્વની દાસ હોય છે. ‘એવું’ અસ્તિત્વ, લબ્ધિ-સિદ્ધિઓથી અત્યંત ઉદાસીન હોય છે. એટલે કે, નિર્લેપતા, એ, શ્રીસદ્ગુરુની લાક્ષણિકતા છે.
‘આવા’ સદ્ગુરુઓની શાશ્વત, અવિચ્છિન્ન પરંપરાને નિરીહભાવે વહન કરનારા અનંતાનંત સદ્ગુરુભગવંતોમાંના એક શ્રીસદ્ગુરુ એટલે સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂજ્ય બાપજી દાદા)
અવતરણ : અવિરત યાત્રાનું એક ચરણ…
બંધનને જ રક્ષણ માની જીવનાર જગતને, જાણે વાસ્તવિક રક્ષણ (શરણ)ની ઓળખ કરાવી, બંધનથી કાયમી મુક્ત કરાવવું હોય, તેમ વિ. સં. ૧૯૧૧ની શ્રાવણ સુદ પૂનમના (રક્ષાબંધનના) દિવસે, અમદાવાદ જિલ્લાના વળાદ ગામે (મોસાળમાં) પૂજ્ય દાદાનો જન્મ થયો. આત્માનું હિત સધાય (મનને સુખ થાય) એવા અવિરત પુરુષાર્થનો (ઉદ્યમ=ઉજમનો) જાણે સંકલ્પ લઇને આવ્યા હોય, તેમ માતા મળ્યા ઉજમબાઇ અને પિતા મળ્યા મનસુખભાઇ. સાત ચક્રોને ભેદી પરમબ્રહ્મમાં સ્થિરતા માટે આવશ્યક લઘુતા ગુણ જાણે લઇને આવ્યા હોય, તેમ સાત સંતાનોમાં (છ ભાઇ અને એક બહેનમાં) સૌથી નાના (લઘુ)…. બધા એમને ચુનીલાલ નામથી ઓળખતા. અમદાવાદ શહેરની ખેતરપાળની પોળમાં એમનું નિવાસસ્થાન.
બાલ્યાવસ્થા : ‘બીજ’
બાળપણથી જ કહ્યાગરા, કામગરા અને દૃઢનિશ્ચયી… કોઇપણ કામ કરવાની ઊંડી સૂઝ તો ખરી જ. આથી, જે કામ હાથમાં લે, તે અવશ્ય પૂરું થતું. પણ, જન્મજાત વૈરાગી ચુનીલાલ, કામ પૂરું થયા પછી, યશ લેવા કદી આગળ ન આવતા. જગતને આવો માણસ વ્હાલો લાગે, એમાં શું આશ્ચર્ય ?
જન્માંતરીય પ્રભુભક્તિની ધારામાં વહેતા આવેલા ચુનીલાલની ધર્મશ્રદ્ધાને, બાળપણમાં જ સુદૃઢ બનાવનાર હતા, ધર્મનિષ્ઠ સુબાજી રવચંદ જેચંદ… દોશીવાડાની પોળમાં આવેલ જૈન વિદ્યાશાળાની પેઢીવાળી રૂમ, એ ક્ષણોની સાક્ષી છે.
યૌવન : ભીતરી સાદનું શ્રવણ… લગ્ન : ભીતરની લગન…
ચુનીલાલ ૧૮ વર્ષના થયા, એ પૂર્વેથી, વીતરાગમાર્ગે જવાનો ભીતરનો સાદ સંભળાવો ચાલુ થઇ ગયો હતો. અત્યંત સંવેદનશીલ ચુનીલાલ, માતાપિતાની પોતા પ્રત્યેની લાગણી જોઇ, ભીતરની વાત કહી શક્યા નહીં. પણ, ‘એ’ સાદ બળવત્તર બનતો ગયો. અઢાર વર્ષની ઉંમરે જ્યારે લગ્નની વાત નીકળી, ત્યારે એમણે માતાપિતાદિ સ્વજનો પાસે પોતાના ભીતરની વાત સૌ પ્રથમ કરી. પણ, અત્યંત લાડીલા ચુનીલાલને સંમતિ ન મળી. આખર વીસ વર્ષની ઉંમરે, આકાશેઠ કુવાની પોળ નિવાસી, ખરિદિયા કુટુંબના શેઠ વરજીવનદાસ આશારામની સુશીલ પુત્રી ચંદનબેન સાથે અતિ દબાણ કરી પરણાવ્યા. પણ, એથી ભીતરનો સાદ બુલંદ બની ગયો.
સ્વયં સાધુવેશ અંગીકાર : ભીતરી સાદને ન્યાય.
લગ્નજીવનના ત્રણ વર્ષ દરમ્યાન ‘એ’ સાદ વધુને વધુ બુલંદ બનતો ગયો. અંતે, ૨૩ વર્ષની ભરયુવાન વયે, બધા પ્રકારની અનુકૂળતા છતાં, આ મહાસત્ત્વશાળી યુવાને, ભીતરના સાદને ન્યાય આપ્યો અને દશેરાના દિવસે, કોઇને પણ કહ્યા વિના, જાતે મુંડન કરાવી, સાધુવેશ અંગીકાર કરી, શ્રીવીરવિજયજી મ.સા.ના ઉપાશ્રયના એક ખૂણામાં આસન જમાવ્યું.
અવતરણ : અવિરત યાત્રાનું એક ચરણ…
મોટાભાઇ, જેમને ચુનીલાલ પ્રત્યે અત્યંત રાગ હતો, તેમણે સ્વજનોને ભેગા કર્યા અને ચુનીલાલને વેશ ઉતારી ઘરે પાછા આવવા કહ્યું. ચુનીલાલના મૌનથી અકળાઇને, સ્વજનો ટાંગાટોળી કરી, ઘરે લઇ આવ્યા. કપડા ખેંચી લીધા… ગૃહસ્થના કપડા આપ્યા. ચુનીલાલે સંયમભાવે નગ્ન રહેવાનું પસંદ કરતાં, સ્વજનોએ એમને રૂમમાં પૂરી દીધા અને આ સંયમી યુવાને, નિરાકુળ એવા નિશ્ચલભાવે, નગ્ન અવસ્થામાં, નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતાં, નિર્જલ ઉપવાસપૂર્વક ત્રણ દિવસ પસાર કર્યા. સમત્વથી ભીની એમની અડગતાથી સ્વજનો ડગી તો ગયા, પણ, એમને સમત્વની ભીનાશ ન સ્પર્શી. આખર, નામ જેવા ગુણ ધરાવતા ચંદનબેને સ્વજનો પાસે ખોળો પાથર્યો. અલ્પ પરિચયે જ ચંદનબેન, ચુનીલાલના અંતરંગને ઓળખી ગયા હતા. આથી, સ્વજનોએ એમને કેદમાંથી તો છોડ્યા, પણ, દીક્ષા માટેના આશીર્વાદ-સંમતિ ન આપ્યા.
સંયમ : શિષ્યત્વ (વિનય)ની ઉપાસના
ચુનીલાલ, તપગચ્છશણગાર, યુગપ્રધાન સમાન પંન્યાસ પ્રવર શ્રીમણિવિજયજી દાદાને, પ્રથમથી જ ભીતર અર્પણ કરી ચૂક્યા હતા. લુહારની પોળમાં બિરાજમાન પોતાના વયોવૃદ્ધ ગુરુભગવંત પ્રત્યે આંગળી ચીંધાય, એ, એમના શિષ્યત્વને યોગ્ય ન જણાયું. આથી, સાધુવેશ અંગીકાર કરી, ઘરેથી નીકળી ચુનીલાલ જહાંપનાહની પોળે ગયા અને આઠ મહીના એકલા રહ્યા. આ રીતે, સહજભાવે ચાલુ થયેલી શિષ્યત્વની ઉપાસના આજીવન ચાલી.
વિધિવત્ દીક્ષા : અસ્તિત્વ સાથેની અભેદતા
આખર સ્વજનો પીગળ્યા. પ. પૂ. મણિવિજયજી દાદાને દીક્ષા આપવા વિનંતિ કરી અને વિ. સં. ૧૯૩૪, જેઠ વદ બીજના શુભદિવસે, લુહારની પોળના ઉપાશ્રયમાં પ. પૂ. મણિવિજયજી દાદાએ ચુનીલાલને વિધિવત્ દીક્ષા આપી, પોતાના અંતિમ શિષ્ય બનાવ્યા. રજોહરણ સ્વીકાર વખતની ક્ષણ અપૂર્વ હતી. એ ક્ષણે અસ્તિત્વ સાથે અભેદતા સધાઇ હતી. આથી, વર્ષોથી એકધારો સંભળાતો ભીતરી સાદ અપૂર્વ પ્રકારે તૃપ્ત થયો હતો. ચુનીલાલની મુખમુદ્રા અને આંખોમાં ઝલકેલી, એ અલૌકિક તૃપ્તિ, સદ્ગુરુ સ્વરૂપ પ. પૂ. મણિવિજયજી દાદાથી છાની ન રહી શકી.
નામન્યાસ : સદ્ગુરુના વીતરાગી આશીર્વાદ
ચુનીલાલનું ‘હીર’ પારખી ગયેલા, કુશળ ઝવેરી સ્વરૂપ પ. પૂ. મણિવિજયજી દાદાએ, એ ક્ષણની સિદ્ધિને ચિરંજીવી બનાવતો નામન્યાસ કર્યો – મુનિશ્રી સિદ્ધિવિજયજી. આ માત્ર નામકરણ ન હતું, સદ્ગુરુના અંતરંગ આશીર્વાદ હતા. મુનિ શ્રી સિદ્ધિવિજયજીના પરમવિનયવાન ભીતરમાં, એ આશીર્વાદ અકબંધ ઝીલાયા અને અંતિમ શ્વાસ સુધી પરમઋણસ્વીકારભાવે સેવાયા. લબ્ધિઓ અને સિદ્ધિઓની હારમાળા સર્જાઇ, એના મૂળ અહીં પડ્યા છે. પણ, એવી હારમાળાનું સર્જન, એ, નામન્યાસની સાર્થકતા ન હતી. એ લબ્ધિ-સિદ્ધિઓથી નિઃસ્પૃહ રહ્યા અને આમરણ ગુરુવચનનું આસેવન કર્યું, આ સિદ્ધિ હતી અને એ નામન્યાસની સાર્થકતા હતી.
આણાએ ધમ્મો : ‘લગન લાગી મનુ તેરે ચરણ કી’
પ્રથમ ચાતુર્માસ પછી તરત જ પ. પૂ. મણિવિજયજી દાદાએ, આ હોનહાર શિષ્યને, રાંદેર (સુરત)ના શ્રીસંઘની વિનંતિનું સન્માન કરી, ચારિત્રના અત્યંત ખપી વયોવૃદ્ધ મુનિરાજશ્રી રત્નસાગરજી મ.સા.ની સેવામાં મોકલ્યા. એમના આ દૂરદર્શી નિર્ણયમાં, પૂ. રત્નસાગરજી મ.સા.ની સમાધિ તો સમાયેલી, સાથે સાથે મુનિશ્રી સિદ્ધિવિજયજીનું હિત અને સુરત આદિ શ્રીસંઘોનું હિત પણ સમાયેલું હતું.
સુરતના પ્રથમ ચાતુર્માસમાં જ, વિ.સં. ૧૯૩૫, આસો સુદ આઠમના દિવસે પ. પૂ. મણિવિજયજી દાદા સ્વર્ગે પધાર્યા. ગુરુ-શિષ્યનો સંયોગ માત્ર ૬ મહિનાનો હોવા છતાં, આ ઉત્તમ શિષ્યે, ગુરુઆજ્ઞાને ગુરુચરણ રૂપે અવધારી, સાધુસેવાને, આજીવન ઋણ ચૂકવવા સ્વરૂપે ઉપાસી.
કાન મેં ગુંજ રહી હૈ અહર્નિશ, આજ્ઞા ગુરુ મુખ ઝરણન કી…
મુનિશ્રી સિદ્ધિવિજયજી (પૂજ્ય દાદા)એ, પૂ. રત્નસાગરજી મ.સા.ની લગાતાર ૮ વર્ષ સુધી અખંડ સેવા કરી, ચારિત્ર લક્ષના એમના આકરા સ્વભાવને પચાવ્યો અને એમને સમાધિ આપી. એ વર્ષો દરમ્યાન ખરતરગચ્છના મહાત્મા બીમાર છે, એમ જાણી, દિવસો સુધી એમની પણ સેવા કરી. આમ, ગચ્છ-સમુદાય ભેદથી ઉપર ઊઠી, પૂજ્ય દાદાએ, અનેક સાધુઓની સેવા કરી, ગુરુઆજ્ઞાનું આરાધન કર્યું. સુરતનો શ્રીસંઘ, આ યુવા મુનિની સેવા, ધીરજ, ખંત, શાંતતા, સૂઝ, ગંભીરતા, તપ આદિ ગુણવૈભવ જોઇ, એમનો પરમભક્ત બની ગયો.
ગણિપદ : ગુણગણને અનાસક્તભાવે અવધારનારું પદ.
પંન્યાસપદ : શ્રીવીતરાગશાસન પ્રત્યેના પરમઋણસ્વીકારભાવને સમાવનારું પદ.
સુરતના શ્રીસંઘે, પૂ. પંન્યાસ પ્રવર ચતુરવિજયજી મ.સા.ને વિનંતિ કરી, સુરત બોલાવી, શ્રીભગવતીસૂત્રના યોગોદ્વહન કરાવી, વિ.સં. ૧૯૫૭, અષાઢ સુદ અગ્યારસના દિવસે, ગણિ-પંન્યાસ પદવી અપાવી. ત્યારે શ્રીસંઘે એક મહિનાનો મહોત્સવ માંડેલો. એક મહિના સુધી નવકારશી ચાલેલી અને પછી હાથ જોડીને ‘ના’ પાડવી પડેલી. પદવીના દિવસે (૧૨૦ વર્ષ પહેલા) પંદર હજારથી અધિક માનવમહેરામણ ઉપસ્થિત હતું. રજોહરણ સ્વીકાર વખતની ક્ષણ પ્રત્યેના નતમસ્તકભાવે, પૂજ્ય દાદાએ, એ ક્ષણોને ભવ્યતા આપી.
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત…
પૂજ્ય દાદાનો, જ્ઞાન પ્રત્યેનો વિનય, જન્મથી જ અદ્ભુત હતો. જ્યાંથી, જ્યારે, જે, પ્રાપ્ત થયું, તે, જિજ્ઞાસાભાવે ગ્રહણ કર્યું. પ્રારંભિક અભ્યાસ પૂ. રત્નસાગરજી મ.સા. પાસે, સૂત્રસિદ્ધાંતનો અભ્યાસ પૂ. આત્મારામજી મ.સા. પાસે (જેઓશ્રી પૂજ્ય દાદાને ‘છોટે ચાચા’ કહી બોલાવતા), કાવ્ય-ન્યાયનો અભ્યાસ વડોદરાના રાજારામ શાસ્ત્રીજી પાસે કર્યો. શાસ્ત્રીજી પાસે અભ્યાસ ચાલતો હતો, ત્યારે છાણીમાં સાધુની સેવામાં હતા. અભ્યાસ માટે રોજ ૮ કિ.મિ. જવાનું અને ૮ કિ.મિ. આવવાનું. આવી એમની સાધુસેવા પ્રત્યેની નિષ્ઠા અને જ્ઞાનપિપાસા હતી.સાધુ-સાધ્વીજી ભગવંતના અધ્યયન માટે, વિદ્યાશાળામાં ૪-૪ પંડિતો બેસાડતા અને કોણ શું ભણે છે, એનું ધ્યાન પણ રાખતા. લહીયાઓ પાસે પ્રાચીન ગ્રંથો લખાવતા અને પછી કલાકોના કલાકો સુધી એનું સંશોધન કરતા, એ પણ ટેકો લીધા વિના, છતાં થાકતા નહીં. આ ક્રમ, એમની આંખોએ કામ આપ્યું ત્યાં સુધી (૯૦ વર્ષ સુધી) અવિરત ચાલ્યો. વિદ્યાશાળાનો સમૃદ્ધ જ્ઞાનભંડાર પૂજ્ય દાદાની દેન છે.
આચાર્યપદ : શ્રીવીતરાગશાસન પ્રત્યેની પરમદાસતાને નિહાળતું પદ…
ભીતરી સાદને ન્યાય આપતાં આપતાં, રજોહરણ સ્વીકાર વખતની ક્ષણને ઉપાસતાં ઉપાસતાં, ગુરુઆજ્ઞાનું આરાધન કરતાં કરતાં ૪૧-૪૧ વર્ષ પસાર થઇ ગયા. એનું ફળ હતું, શ્રીવીતરાગશાસન પ્રત્યેની પરમદાસતા સાથેની અભેદ એવી અભેદતા… એ દશાનું સન્માન કરતી આચાર્યપદવી થઇ વિ. સં. ૧૯૭૫, મહા સુદ ૫ (વસંતપંચમી)ના દિવસે, મહેસાણા નગરે. પદવીના દિવસે લગભગ સાડા પાંચસો જેટલા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો અને હજારો શ્રાવકોની ઉપસ્થિતિ હતી.
તપ : નિર્ભારતાનું નિર્ભારભાવે વહન…
છેલ્લા સૈકાઓમાં જવલ્લે જોવા મળે, એવી વાત એ થઇ કે, પૂજ્ય દાદાનો પર્યાય અને પદવી જેમ જેમ વધતા ગયા, તેમ તેમ એઓશ્રીનો તપ વધતો ગયો. પંન્યાસ પદવી થઇ ત્યારથી દર ચાતુર્માસમાં એકાંતર ઉપવાસ કરતા અને બહોંતેર વર્ષની ઉંમરથી છેલ્લા શ્વાસ સુધી સળંગ ૩૩ વર્ષીતપ કર્યા. એમાં છટ્ઠ-અટ્ઠમ પણ આવી જતા. ૧૦૫ ડીગ્રી તાવમાં પણ એઓશ્રીનો તપ અખંડ રહ્યો. તપના બિયાસણા પણ સાદગીવાળા અને આયંબિલ પણ સાદગીસંપન્ન.
આટલા ઉગ્ર અને સુદીર્ઘ તપ છતાં પૂજ્યશ્રીની ભીતરી ભીનાશ વર્ધમાન રહી હતી. ક્યારેક નારાજ થતા, ત્યારે પણ એ ભીનાશ આ શબ્દો દ્વારા અભિવ્યક્ત થતી : ‘હત્, તારું ભલું થાય.’
સ્વાવલંબન : નિજસેવા.
પૂજ્ય દાદાની પવિત્રતા, નિર્દંભ વાત્સલ્ય અને પુણ્યપ્રભાવને કારણે સહુ કોઇ એમના સાનિધ્યને ઝંખતું… સાધુઓ પૂજ્ય દાદાની સેવાની તક માટે બાજનજર રાખતા. પણ, પૂજ્ય દાદાએ પોતાના જીવનને એવી રીતે કેળવ્યું હતું કે છેલ્લા શ્વાસ સુધી એઓશ્રીને કોઇની સેવા લેવી પડી નથી. આંખનું તેજ સાવ જ ઓછું થઇ ગયા પછી પણ, પોતાની આવશ્યક વસ્તુઓ એવી રીતે રાખતા કે એના માટે કોઇને બોલાવવા ન પડતા. સેવા બધાની કરી, પણ, કોઇની સેવા લીધી નહીં. આ એમનું સ્વાવલંબન હતું એટલે કે નિજ સ્વરૂપની સેવા હતી.
તીર્થયાત્રા : સ્વરૂપરમણતા.
૮૫ વર્ષની ઉંમરે પૂજ્ય દાદાને ગિરનારજી અને શત્રુંજય તીર્થની સ્પર્શનાનો મનોરથ થયો. પગ તો અટકી ગયા હતા. તે કાળે ડોળીનો ઉપયોગ પણ થતો નહીં. પણ, આ તો ‘બુલાવો’ હતો. પછી, ‘દાદા’ બેઠા રહે ? પહેલા વિદ્યાશાળામાં ચાલવાની પ્રેક્ટિસ શરૂ કરી, પછી ગાંધી રોડ ઉપર અને પછી કોઇની પણ સહાય લીધા વિના બંને તીર્થોની સ્પર્શના કરી, અમદાવાદ પાછા પધાર્યા. પણ, થાકનું નામોનિશાન નહીં. તીર્થયાત્રા સ્વરૂપરમણતા સ્વરૂપે અનુભવાય, ત્યાં થાક કેવી રીતે હોય ?
ગુપ્તયોગી…. નિરીહ મંત્રવેત્તા…
પૂજ્ય દાદા હઠયોગના અભ્યાસુ હતા. એઓશ્રીના અનુપમ જપયોગમાં હઠયોગની સાધના સહાયક બની હતી. અનેક યતિઓને પૂજ્ય દાદા ઉપર ભરોસો હતો. એ યતિઓએ અનેક મંત્રો, આમ્નાય સાથે પૂજ્ય દાદાને આપેલા અને પૂજ્ય દાદાએ અનેક મંત્રો સિદ્ધ કરેલા. પૂજ્ય દાદા એક દિવસમાં દસ લાખ મંત્રનો જાપ કરી શકતા. છેલ્લા દિવસ સુધી રાત્રીનો અઢી કલાકનો જાપ અખંડ રહ્યો. પૂ. જંબૂવિજયજી મ.સા. કહેતા કે ‘માઁ ચક્રેશ્વરી પૂજ્ય દાદાને પ્રત્યક્ષ હતા અને શાસનના કાર્યોમાં સહાયક બનતા.’ પણ, પૂજ્ય દાદાએ પોતાની સાધનાની કોઇને ગંધ આવવા દીધી નથી. બહાર જે વાતો આવી, તે તો કેવળ થોડા છાંટા છે. વિદ્યાશાળાનું ભોંયરું, એઓશ્રીની ગુપ્ત સાધનાઓનું સાક્ષી છે.
સઘળું તને સોંપી દીધું….
પૂજ્ય દાદાનો કંઠ મધુર હતો. પ્રભુભક્તિ કરતા પૂજ્ય દાદાને જોવા – સાંભળવા એક લ્હાવો હતો. વાસ્તવમાં આવા યોગીઓનું સઘળું ખાવું – પીવું, ઉઠવું – બેસવું, સૂવું – જાગવું, તપવું – જપવું, બોલવું – ન બોલવું બધું જ પ્રભુભક્તિ અને પ્રભુધ્યાન સ્વરૂપ હોય છે. આથી જ, જગતને એમનામાં ભગવાનના દર્શન થાય છે. આથી જ, જગત, એમનાં દર્શન-વંદન-સાનિધ્યને ઝંખતું હોય છે. જન્મવાંચનના દિવસે અને બેસતા વર્ષે વિદ્યાશાળા હકડેઠઠ ભરાઇ જતી, એનું કારણ પણ આ જ હતું. સંવત્સરી પ્રતિક્રમણ પૂજ્ય દાદાની નિશ્રામાં કરવા, વિદ્યાશાળામાં જગ્યા ન મળતી.
વધુ કેટલું કહીએ ?
સ્વ-પર સમુદાયમાં એવી શ્રદ્ધા થઇ ગયેલી કે, જેને, પૂજ્ય દાદાના હાથે રજોહરણ મળે, તે સંયમમાં સ્થિર થઇ જાય છે. આથી, સહુ પૂજ્યશ્રીના પુનીતહસ્તે રજોહરણને ઝંખતા. આથી જ, પૂજ્ય દાદાના વરદહસ્તે સ્વ-પર સમુદાયની એક હજારથી વધુ દીક્ષાઓ થઇ. પૂજ્ય દાદાએ જે દિવસે દેહત્યાગ કર્યો ત્યારે પૂજ્ય દાદાનો પરિવાર જ ૪૦ જેટલા સાધુ ભગવંતો અને ૭૫૦ થી ૮૦૦ જેટલા સાધ્વીજી ભગવંતોનો હતો.
ચંદનબેન અને એમના માતુશ્રી જયકોરબેનની દીક્ષા વિ.સં. ૧૯૩૯ના ફા.સુ.૩ના થઇ. અને નામકરણ થયું પૂ. સાધ્વીજી જયકોરશ્રીજી તથા પૂ. સાધ્વીજી ચંદનશ્રીજી. પૂ. સાધ્વીજી ચંદનશ્રીજી પૂંજવા-પ્રમાર્જવામાં અત્યંત ઉપયોગવંત હતા. ૪૩ વર્ષનો દીક્ષા પર્યાય પાળી વિ.સં. ૧૯૮૨માં તેઓશ્રી કાળધર્મ પામ્યા, ત્યારે તેમના પરિવારમાં લગભગ ૩૦૦ સાધ્વીજી ભગવંતો હતા.
સામાન્ય રીતે, એક સ્થાને રહેવાથી પ્રીતિ-ભક્તિ ઓછા થવાની સંભાવના રહે છે. જ્યારે પૂજ્ય દાદાએ છેલ્લા વર્ષોમાં સ્થિરવાસ સ્વીકાર્યો હોવા છતાં, દિન પ્રતિદિન સંઘમાં એમના પ્રત્યેની પૂજા-સત્કાર-ભક્તિ વધતા ગયા. એવા સેંકડો ભાવુકો હતા, જે પૂજ્ય દાદાના મુખનાં દર્શન વિના મોંમાં પાણી ન નાખતા, એઓશ્રીનાં દર્શન થતાં પોતાનો દિવસ સફળ માનતા, પૂજ્ય દાદાના વરદ હસ્તનો વાસક્ષેપ પામી કૃતાર્થતા અનુભવતા અને પૂજ્ય દાદા જેને નામથી બોલાવે એ તો પોતાને ધન્યાતિધન્ય માનતા.
વધુ કેટલું કહીએ ?
પૂજ્ય દાદા, પૂજ્ય બાપજી – આ નામ લેતાં, એમના જીવનનું અવલોકન કરતાં, એમનાં દર્શન કરતાં, પ્રતિમા સ્વરૂપે પણ એઓશ્રીનાં દર્શન થતાં, એઓશ્રીની સ્તુતિનું ગાન કરતાં, મંત્રજાપ કરતાં, સત્તાવીસાનો પાઠ કરતાં આબાલગોપાલ સહુ કોઇ અકથ્ય પ્રેમપ્રવાહ અનુભવે છે, આત્મીયતાનું આસ્વાદન કરે છે, અનાયાસ મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે.
કાયોત્સર્ગ : બુંદ સમાના સમુંદ મેં…
પૂજ્ય બાપજી મહારાજાના હુલામણા નામથી વિશ્વપ્રસિદ્ધ થયેલા પૂજ્ય દાદાએ વિ.સં. ૨૦૧૫ વર્ષે, ૧૦૪ વર્ષ પૂરા કરી ૧૦૫મું વર્ષ ચાલતું હતું ત્યારે, પર્યુષણા મહાપર્વમાં ૧-૨-૩ ઉપવાસ કરી, જન્મવાંચન સ્વમુખે કરી, સંપૂર્ણ બારસાસૂત્ર શ્રવણ કરી, અપ્રમત્તભાવે સંવત્સરી પ્રતિક્રમણ સકલ શ્રીસંઘ સાથે કરી, આ અવતરણની કૃતકૃત્યતા અનુભવતા, ભા. વ. ૧૪, ગુરુવારે ચોવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરી, ૧૧-૩૦ વાગ્યા સુધી સાધુઓ સાથે સ્વસ્થભાવે વાતચીત અને ભાવુકોને વાસક્ષેપ કરી, સવા કલાકની જાગરણગર્ભિત નિદ્રા (યોગનિદ્રા) લઇ, પડિલેહણ કરાવી, બપોરે એક વાગ્યે, કોઇપણ પ્રકારની વિક્રિયા વિના, સંપૂર્ણ જાગૃત અવસ્થામાં, સહુને અલવિદા કહેતા હોય તેમ, સાપ કાંચળી ઉતારે તેમ દેહત્યાગને નિહાળ્યો…
જય જય નંદા… જય જય ભદ્દા…
આ મંગલઘોષના ગગનભેદી નાદના અવિરત ગુંજારવ પૂર્વક, બે લાખથી અધિક ભક્તોના મસ્તકેથી વહેતી પાલખીને, જગન્નાથજી મંદિરના સમવયસ્ક મહંત નરસિંહદાસજીએ શ્રદ્ધાંજલી અર્પણ કરી અને આખર પૂજ્ય દાદાના સંયમપૂત, તપપૂત, સાધનાપૂત, સેવાપૂત, સંઘવાત્સલ્યથી ભાવિત પવિત્ર દેહની પાવન રજકણો જમાલપુરની એ ધરતીમાં સમાઇ ગઇ, જ્યાં આજે અત્યંત જાગૃત, ઊર્જાવંત સમાધિમંદિર ઊભું છે.
VIDHYASHALA TRUST
Quick Links
2024 © Vidhyashala Trust , Ahmedabad